વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઇ

 

હવેલી ઓમાં, ઘરોમાં કૃષ્ણલીલાને સાકાર સ્વરૂપ આપતી પિછવાઇ ને વ્રજલીલાનાં પ્રતીક સ્વરૂપે  માનવામાં આવે છે. દા.ત નવરાત્રી દરમ્યાન રાસલીલાની પિછવાઇ લગાવવામાંઆવે છે.રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય શ્રીમદ્ ભાગવત્ માં કહ્યું છે કે શ્રીમદ્ ભાગવત્ નો દશમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવત્ ના હ્લદય સ્વરૂપે અને રાસલીલાએ પ્રાણરૂપ છે કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માનાં પ્રતીક રૂપે છે અને શ્રી કૃષ્ણએ પરમાત્માનાં પ્રતિક રૂપે છે. રાસલીલાનાં રાસ દરમ્યાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પિછવાઇમાં બતાવવામાં આવે છે. જે લોકો આ વાત સમજી નથી શકતા તેમના માટે પિછવાઇ રૂપી કૃષ્ણલીલા નું અંગ છે.

પિછવાઇમાં આપણે હમેંશા ઘણા બધા પ્રતિકો રૂપી વિવિધ ડિઝાઇન જોઇએ છીએ જેવી કે મોર, પોપટ, ગાય, માછલી, વૃક્ષ, કમળ, સુર્ય, ચંદ્ર, ગાય, હંસ, પાણી, કાચબો આદી જોવા મળે છે. આ સર્વે પ્રતિકોનાં પણ સાંકેતિક અર્થ છે.

*પાણી નો અર્થ છે-શ્રી યમુનાજી

*સુર્ય- પરમાત્માઓના પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ

*ચંદ્ર- પ્રભુનું મુખારવિંદ (શ્રી કૃષ્ણ ચંદ્ર)

*વૃક્ષ- વ્રજના વૈષ્ણવો વૃક્ષ બની ને હમેંશા પ્રભુલીલાના સહચારી બને છે.

*કમળ પુષ્પો- શ્રી યુગલસ્વરૂપને જોવા માટે શ્રી યમુનાજીને માટે બે આંખ ઓછી છે, તેથી તેમના રોમરોમ માં નેત્ર તણા કમળો ખિલેલા છે જેના દ્વારા શ્રી યમુનાજી પોતાના યુગલસરકારને જોઇ રહ્યાં છે.

*માછલી- જે રીતે માછલીને પાણીનો અનન્યાશ્રય છે, પાણી વગર માછલીનું જીવન શૂન્ય છે, તે રીતે, વૈષ્ણવોને માટે પણ  ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુ શ્રી વલ્લભનો જ આશ્રય જ સર્વસ્વ છે.

*ગાય- ભક્તિનું સ્વરૂપ છે

*મોર- મુક્તિનું સ્વરૂપ છે

*પોપટ- વિદ્યાનું સ્વરૂપ છે

*હંસ- જ્ઞાનનું સ્વરૂપ છે.

કાચબો- વૈરાગ્યનું સ્વરૂપ છે.

આપણે શ્રી ઠાકુરજીની સામે ખિલોના(રમકડાં)મુકીયે છીએ તેનો મતલબ એ છે કે ખિલોના એ જીવ સ્વરૂપ છે આપણે પ્રભુને કહીયે છીએ કે આપને ખેલ અને ખિલોનાથી રમવું ઘણું જ ગમે છે તેથી આપ આ ખિલોનાથી રમો અને આપણે એટલે કે જીવ રુપી ખિલોનાનું રૂપ લઇ શ્રી પ્રભુને આપણું સંપૂર્ણ સમર્પણ કરી દઇએ છીએ. જે રીતે એક બાળકની દોસ્તી ખિલોના સાથે થઇ જાય છે તેમ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકુરજી સાથે થઇ જાય તેવી ભાવના છુપાયેલી હોય છે.

 

પૂર્વી મલકાણ મોદી

(Please visit our shop for pichois to buy)

© Purvi Malkan
[email protected]

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli