નાગ દમન

 

      પોતે જ અનેક સ્વરૂપો ધારણ કરી પોતાની સાથે જ ખેલવા વાળા પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણએ વ્રજલીલા માં જે લીલાઓ કરી તેમાંની ત્રણ લીલાઓ ના ૩ સ્વરૂપો બન્યાં અને  ૩ સ્વરૂપોમાં નું એક સ્વરૂપ એટલે નાગદમન લીલા અને તેનું નાગદમન સ્વરૂપ છે.

નાગદમન વાર્તા પરીચય

         રમણક દ્વીપમાં નાગ સર્પ ના અનેક પરિવાર રહેતા હતાં.વિષ્ણુ વાહન ગરુડ  ત્યાં આવીને અસંખ્ય નાગો નો સંહાર કરતો હતો  તેથી એક દિવસ ગરુડ ના ભય થી થાકેલા સર્પો એ ગરુડને કહ્યું કે દરરોજ પ્રત્યેક ઘરમાંથી એક એક સર્પનો તુ બલિ લે પણ આ રીતે પ્રતિદિન અમારો નો વિનાશ કરવાનું બંધ કર.સર્પો ની આ વાત ને ગરુડ રાજે સંમતિ આપી  પરંતુ કાલિયાનાગે તેનો(ગરુડનો) વિરોધ કર્યો આ વાતની  ખબર પડતાં જ આથી ગરુડ  કાલિયનાગ ને દંડ દેવા માટે  આવ્યો આથી કાલિયનાગ ગરુડરાજ થી બચવા માટે  દેવાધિદેવ શેષ જનાર્દન નાં શરણે ગયો. કાલિયને દીન અને ભયભીત જોઇને  શેષ જનાર્દને કહ્યું કે હે કાલિય તમે વૃંદાવન માં આવેલ યમુનાજી ના નીર માં વસવાટ કરો આ સાંભળીને કાલીય નાગે પૂછયું કે પૃથ્વી પર મને એવું એક પણ સ્થાન મળ્યું નથી કે જયાં મને ગરુડ નો ભય નહી હોય તો પછી વૃંદાવન ધામ તેમાંથી બાકાત શા માટે  છે??? ત્યારે શેષ જનાર્દને કહ્યું કે એક સમયે સૌભરી નામના  ઋષિ  વૃંદાવન માં યમુનાજી જળમાં  ઊભા રહીને તપ કરી  રહ્યાં હતાં. તે જળમાં મીનરાજ નો પરિવાર પણ તેમની  આસપાસ વિહાર કરતો હતો મીનરાજ નાં પરિવાર ને જોઇને સૌભરી ઋષિને  અત્યંત  આનંદ  થતો એક  દિવસ ગરુડે મીનરાજને મારી નાખ્યો અને તેના પરિવારનું ભક્ષણ કર્યું  આ જોઇને  મુનિશ્રેષ્ઠ સૌભરી એ ગરુડને શાપ  આપ્યોં કે તે કયારેય પણ વૃંદાવનમાં  યમુનાજીનાં કુંડમાં આવીને  બળપૂર્વક માછલીઓનું  ભક્ષણ  કરશે તો તેનું મૃત્યું થશે.તે દિવસ થી ભયભીત થયેલો ગરુડરાજ વૃંદાવન થી દૂર રહેવા લાગ્યોં  અને પ્રભુ  જનાર્દન ની વાત સાભળી કાલિય પોતાના પરિવાર સહિત યમુનાજીના જળમા આવીને રહેવા લાગ્યો.

                 કાલિય નાગ ને પોતાના પરિવાર સહિત યમુનાજી માં રહેવાની અનુમતિ મળી હતી,પણ યમુનાજી ના જળમાં કે જળની આસપાસ જે જીવો વસી રહયાં છે તેનો વસવાટ છીનવી લેવાની અનુમતિ નહોતી મળી.યમુનાજીના જળમાં વસવાટ કરવાને કારણે કાલિયનાગ પર થી ગરુડરૂપી મૃત્યુ નો ભય ઓછો  થતાં જ  કાલિય માં હું કાર નું અભિમાન આવ્યું અને તેને લાગવા લાગ્યું કે  આ મારું નિવાસ સ્થાન છે  અને  અહીં  મારો અને મારા પરિવાર નો અધિકાર છે માટે બીજા કોઇ નો અધિકાર નથી.

           શ્રી મહાપ્રભુજી સમજાવે  છે કે  કાલિયનાગને  યમુનાજીનાં જળમાં  શરણ માં સ્થાન મળ્યું તે પુરતું  ન હતું પણ જેણે આશ્રય આપ્યો તેનો ગુણ ભૂલી જઇને ઇર્ષારૂપી વિષ થી યમુનાજીના નીર ને પણ વિષયુક્ત કર્યું.શ્રી શુકદેવજી કહે છે કે કાલિયનાગે યમુનાજીનાં નીરને એટલું વિષયુક્ત કર્યું કે યમુનાજીના જળમાંથી  અગ્નિથી પણ પ્રબળ જ્વાળાઓ  ઉડતી.યમુનાજીના વિષેલા જળના ઉછળતાં મોજાઓ જ્યારે નાના નાના બિંદુઓ નું સ્વરૂપ બની ને બહાર  આવતાં ત્યારે કિનારા પરનું ઘાસ,વૃક્ષ,પશુ,પક્ષીઓ,કીટકો વગેરે પણ મરણ ને શરણ  થતાં,યમુનાજી ની ઉપર  ઊડતાં પંખીઓ ને અંશમાત્ર જ્વાળા લાગતાં પણ તેઓ મૃત્યુ ને ભેટતાં  અને  ગ્રામવાસીઓને પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું.

         વૃંદાવન વાસીઓ ની  આ દુર્દશા જોઇને  દુષ્ટો નું દમન કરવા માટે જેનો  અવતાર  થયો  છે તેવા નંદનંદન શ્રી કૃષ્ણએ ગેંદ લેવાના બ્હાને યમુનાજી ના ઘૂના માં ગયાં અને  કાલિયનાગ સાથે તેમણે લડાઇ કરી.નાના બાળક દેખાતા કૃષ્ણ  સામે કાલીય નાગ પોતાનું બાહુ બળ દર્શાવતો લડવા લાગ્યો.જે બાળક ને નાનો અને તુચ્છ ગણ્યો હતો તેવા કૃષ્ણકનૈયા ના બાહુ બળ અને બુધ્ધિ બળ પાસે કાલિય નો પરાજય થયો.વાંરવાર લડવાનો મોકો શોધતાં શોધતાં કાલિયાએ એટલા  ચક્કર ફર્યા કે ........ચક્કર ફરતાં ફરતાં તેની શક્તિ ક્ષીણ થવા લાગી. તે સમયે તેની ફણાં નમાવી ને કાલિયાના મસ્તક  ઉપર કૃષ્ણ ચઢી ગયાં અને સમગ્ર કલાના ગુરુ કૃષ્ણ કનૈયા નૃત્ય કરવા લાગ્યાં વ્રજનાં વ્રજનંદન નૃત્ય કરવાને તત્પર બન્યાં છે તે જાણીને તે વખતે ગંધર્વ,સિધ્ધ,મુનિ,દેવો મૃદંગ,પિનાક,પણવ,અમૃત દંદુભિ વગેરે વાદ્યો વગાડવા લાગ્યાં,દેવસ્ત્રીઓ સ્તુતિ કરીને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી અને શ્રી કૃષ્ણ એ કાલિયનાગના ફણા ઓ પર તાંડવનૃત્ય કર્યું  અને તે તાંડવ દ્વારા  વારંવાર તેના માથા પર પ્રહાર કરવા લાગ્યાં.વારંવાર પદપ્રહાર થી કાલિય થાકી ગયો  તેની ફણાઓ જર્જરીત બની ગઇ તેના મો માંથી લોહી પડવા લાગ્યું. આમ  કૃષ્ણએ તેના અભિમાન રૂપી મસ્તકનું દમન કર્યુ.નાગ પત્નીઓએ પોતાના પરિવાર સહીત યશોદાનંદન ની સ્તુતિ કરી પોતાના સ્વામીના  અપરાધો ની  ક્ષમા માગવા લાગી અને શરણે  આવેલા કાલિયાએ પણ પ્રભુની સ્તુતિ કરી ક્ષમા માગી,ત્યારે  શ્રી પ્રભુ એ તેને યમુનાજી નો ધરો છોડીને ક્ષીરસાગરમાં જઇને રહેવાની આજ્ઞા આપી ત્યારે કાલિયાએ કહ્યું  કે મને ગરુડ રાજ નો ભય છે ત્યારે પ્રભુ એ કહ્યું કે તારા મસ્તક ઉપર મારા ચરણચિન્હ છે તેથી ગરુડ તને ખાઇ શકશે નહીં.પ્રભુની આજ્ઞાને માથે  ચડાવીને કાલિય નાગ પોતાના પરિવાર સહીત યમુનાજી ના જળ વાળું નિવાસસ્થાન છોડીને ક્ષીરસાગરમાં રહેવા ચાલી ગયો.

      આપણા પુરાણો કહે છે કે જેણે તમારા ઉપર ઉપકાર કર્યો તેનું તમે સારૂં ન કરી શકો તો કંઇ નહીં પરંતુ તેમના વિષે ન તો ખરાબ વિચારવુ અને ન તો તેમનું ખરાબ કરવું.આપણા શ્રી મહાપ્રભુજી પૂછે  છે  કે નાગદમન ની લીલા માં પ્રભુએ કાલિય રૂપી  અભિમાની મસ્તકના ચુરેચુરા કર્યા પરંતુ બીજી એ સત્યતા એ પણ છે કે જે પ્રભુના ચરણારવિંદ ની રજ માત્ર લેવા માટે મનુષ્યો  અગાથ શુભકાર્યો રૂપી કર્મો કરે છે  અને   ઋષિ,મુનિ ઓ  હજારો વર્ષો સુધી તપ કરે છે,લક્ષ્મી,બ્રહ્મા,શિવ આદિને જે ચરણારવિંદ ની ચરણધૂલિની આકાંક્ષા રહેલી છે તેવા ચરણ કમળ ની રજ વારંવાર કાલીયનાગ ના મસ્તક પર પડતી રહી તો તેને શાપ ગણવો કે આશીર્વાદ ગણવો???!!!!!.સંસારચક્ર માં ભટકતાં જીવને  જો શ્રી પ્રભુ ના ચરણકમળનાં રજ નો જો અંશ માત્ર પ્રાપ્ત કરી લે તો પણ તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થઇ જાય છે.

 

© પૂર્વી મલકાણ મોદી

© Purvi Malkan
[email protected]

 

Return to index

 Return to the main Courtyard