શ્રીનાથજી સ્વરૂપ ભાવના
ભગવાન શ્રીકૃષ્ણ ગોલોકમાં બિરાજીને હંમેશા જે લીલા કરે છે તેને નિત્ય લીલા કહે છે. આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સારસ્વત કલ્પમાં વ્રજમાં પ્રગટ થયાં. શ્રીકૃષ્ણ પ્રગટ થયે ૫૫૩૦ વર્ષ થયાં, પણ કેટલાક દોષો થી ભરેલાં જીવોને ભૂમિ પર ફરીથી જન્મ લેવો પડ્યો ત્યારે આજથી ૫૦૦ વર્ષ પહેલાં આ દોષોથી ભરેલા દૈવીજીવોના ઉદ્ધાર માટે શ્રીમહાપ્રભુજી નું પ્રાગટ્ય ચંપારણ્યમાં અને શ્રીનાથજી નું પ્રાગટ્ય ગોવર્ધન પર્વત ઉપર સં. ૧૫૩૫ માં ચૈત્ર વદ અગિયારસે કળિયુગમાં પ્રગટ થયા.
શ્રીનાથજી ને પહેલા "ગોવર્ધનનાથજી" કહેતા હતા. શ્રીનાથજી ના નામો દેવદમન, ઇન્દ્નદમન અને નાગદમન પણ છે. વૈષ્ણવો તેમને લાડથી શ્રીજીબાવા અથવા શ્રીનાથજી કહે છે. શ્રીમદ્ ભાગવત શ્રીજીબાવાનું વાંગઙમય સ્વરૂપ છે, તેના ૧૨ સ્કંધ શ્રીજીબાવા ના ૧૨ અંગ છે.
શ્રીજીબાવાને ગિરિરાજજી ની નિકુંજો ઘણી જ પ્રિય છે તેથી તેમને નિકુંજનાયક કહે છે. શ્રીજીબાવા એ પહેલા વામ ભૂજા કેમ પ્રગટ કરી ? વામ ભાગ ઉપર કર્યો કેમ કે, શ્રીજીબાવા કહે છે જે આનંદ કૃષ્ણઅવતારમાં કર્યો હતો તેજ હું તમને કરાવીશ. શ્રીજીબાવા નિકુંજના દ્વારે ઉભા રહી હાથ ઉંચો કરીને વ્રજભક્તોને પોતાની પાસે બોલાવે છે. પાછું શ્રીજીબાવાને વ્રજવાસીઓને આશ્રય આપવો હતો.
શ્રીજીનું સ્વરૂપ એટલું મનમોહક છે કે તેમના મુખારવિંદ ને જોતા જ પુષ્ટિજીવો મોહિત થઇ જાય છે. શ્રીજીબાવા નો બીજો હાથ કમર પર છે. તે હાથ ની મુઠ્ઠી બંધ છે, પણ આપણને અંગૂઠો બતાવે છે. હકિકત માં શ્રીનાથજી આપણને કહે છે કે મારા ભક્તો જે સંસાર માં લપેટાયેલા છે તેમના મન ને હું છોડતો નથી. મારી પાસે બોલાવી મારા ભક્તોને મારી મુઠ્ઠી માં બંધ કરી દઉં છું અને મારી મુઠ્ઠી માં જકડાયેલો જીવ જે મારો છે તે મારી પકડ માંથી છૂટી શકતો નથી.
શ્રીજીબાવા ની પિઠિકા ચોખંડી છે. તે આખી પિઠિકા ભાવાત્મક છે. તેની ચારે બાજુ શ્રીસ્વામિનીજીઓની નિકુંજ છે. ચારે બાજુ જળના મોજાની લહેરો છે તે શ્રીયમુનાજીનો ભાવ છે. શ્રી મસ્તક પર પોપટ છે જે શ્રી ચંન્દ્રાવલીજી નો ભાવ છે, મોર મુનિસ્વરૂપ છે, ગાયો ગોકુલ સ્વરૂપ છે, સિહ અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે, શેષનાગ પ્રભુની શય્યા સ્વરૂપ છે, સંકર્ષણ વ્યુહ સ્વરૂપ છે, ઉપર બંને બાજુ મળીને કુલ ત્રણ ભક્તો સનકાદિક છે તેઓ ધર્મ, અર્થ, કામ સ્વરૂપ છે.
બોલો સહુ સાથે મળીને શ્રીનાથજી પ્યારે ની જય.....................
ગોવર્ધનધારી ની જય.....................
ગિરિરાજધરણ શ્રીજી તુમ્હારે શરણ..........
કામિની રોહિત મેહતા
© Kaminiben Mehta [email protected]