વ્રજ નો જન્માષ્ટમી ઉત્સવ

 

નંદ ઘેર  આનંદ  ભયો....જય કનૈયા લાલ કી....આ બે પંકિતઓ  સાંભળતાની  સાથે  જ મનમાં અનેક ભાવો આનંદની હેલી બનીને વરસી પડે છે. જન્માષ્ટમી નો તહેવાર સર્વે કૃષ્ણ પ્રેમીઓ ધામધુમ થી મનાવે છે પરંતુ કૃષ્ણ જીવન સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોએ કૃષ્ણ જન્મની ઉજવણીમાં ભાગ લઇ તે આનંદમાં સામેલ થવું તે જીવન નો લ્હાવો છે. મથુરા અને વ્રજથી લઇને શ્રીદ્વારિકા, શ્રીજગન્નાથપુરી, શ્રીનાથદ્વારા, શ્રીડાકોર વગેરે કૃષ્ણ સ્થળો માં કૃષ્ણપ્રેમીઓ આ મહોત્સવને મન ભરીને માણે છે પરંતુ વ્રજ આ ઉત્સવ  દરમ્યાન વાત્સલ્યમય થઇ જાય છે.

 

મથુરા

આ પ્રસંગે આખું મથુરા નગર આનંદ ના હિલોળે ચડે છે અને સાથે સાથે ભકિતના રંગે પણ રંગાઇ જાય છે. દરેક મહોલ્લો કૃષ્ણ જન્મોત્સવના આનંદમાં નાચી ઉઠે છે.મથુરાના દરેક ઘર આંગણથી ગલી સુધી ફૂલોથી  શણગાઇ જાય છે મોટાભાગના લોકો વ્રત રાખે છે.ઘર ઘરમાં ધાણા સાકરની પંજરી બને છે.રાત્રીદિવસ  ભજન કિર્તન થાય છે. રાત્રીનાં ૧૨ વાગતાં જ મંદિરો શંખનાદ અને ઘંટારવ થી ગુંજી ઊઠે છે.

જે જગ્યાએ  કૃષ્ણનો જન્મ થયો હતો તે જગ્યા આજે કૃષ્ણ જન્મભૂમિ મંદિર નામે પ્રચલિત છે.કેટલાક મંદિરો માં મધ્યરાત્રીએ પ્રભુને જગાવતાં નથી તેઓનું માનવું છે કે પ્રભુ નાનકડા બાળક હોવાથી બહુ જ નાજુક છે  અને બાળકને નિંદરમાંથી જગાવવું યોગ્ય નથી. પરંતુ મથુરાના મોટાભાગનાં મંદિરોમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણ ને જગાવી ને પંચામૃત,દૂધ અને દહીંથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ પારણામાં ઝૂલાવવામાં આવે છે, એક માન્યતા એવી છે કે પારણું ઝૂલાવતી વખતે શ્રીકૃષ્ણ ભગવાન પાસે  કરેલી કોઇપણ ઇચ્છા પૂરી થાય છે. મંદિરો અને પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં વિવિધ રંગની ઘટા કરવામાં આવે છે અને આ ઘટાનો જેવો રંગ હોય તેવા જ રંગ નાં વસ્ત્રો પરમપ્રભુને ધારણ કરાવાય છે.

ઘરેઘરમાં તથા મંદિરોનાં પ્રાંગણમાં પારણાઓ મૂકીને તેમને ફૂલો વડે શણગારવામાં આવે છે, જેથી દર્શનાર્થે આવતા  દર્શનાર્થી ઓ પ્રભુને પારણે ઝૂલાવી શકે.જન્માષ્ટમીની સવારે પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે અને શૃંગાર દર્શનમાં અક્ષત તિલક કરવામાં આવે છે અને માર્કંડ પુજાની ભાવનાથી પ્રભુની આરતી ઉતારવામાં આવે છે. ઘણી પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં જન્માષ્ટમીની રાત્રીએ જાગરણ કરાય છે તેથી શૈથ્યાજી બિછાવવામાં નથી આવતાં અને રાત્રીના બીડાં શૈથ્યામંદિરને  બદલે સિંહાસન પાસે રહે છે. મથુરા માં ઠેર ઠેર શ્રીમદ્ ભાગવદ કથાનું પારાયણ થાય છે.

 

ગોકુલ અને નંદગાંવ

રક્ષાબંધન પુરી થતાં જ ગોકુલ અને નંદગાંવ જન્માષ્ટમીની તૈયારીઓમાં લાગી જાય છે.ઠેર ઠેર રાસલીલા અને ઢાઢીલીલાઓ થાય છે. વ્રજવાસીઓ બ્રજ ભયૌ હૈ મહીર કે પૂત,.......રાની ચિર જીવૈ તેરૌ શ્યામ વગેરે  જન્માષ્ટમીની વધાઇ ગાય છે.દરેક ઘર,આશ્રમ અને મંદિરોમાં પુરીપકવાનો બને છે. વ્રજના ખૂણેખૂણામાં  દધિત્સવ થાય છે.દધિત્સવ એટલે કે દહિંની અંદર હલ્દી મેળવીને એક બીજા ઉપર ઉછાળવામાં આવે છે. લોકો ફળ,મેવા,મિષ્ટાન,મિઠાઇ ઉપરાંત વસ્ત્રો, વાસણ વગેરે લુટે છે અને લુટાવે છે અને આ રીતે નિર્દોષ આનંદને માણે છે.

જન્માષ્ટમીના દિવસે મથુરામાં દર્શન કરવા આવેલા દર્શનાર્થી ઓ બીજા દિવસે ગોકુલમાં નંદોત્સવના આનંદમાં છલકાઇ જાય છે. બરસાનાવાસીઓ નંદગાવ-ગોકુલવાસીઓને શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધાઇ આપવાં જાય છે. શ્રીબલરામજીની યાદમાં વ્રજના નંદકુંડ ઉપર મલ્લયુધ્ધ વિદ્યા ની હરિફાઇ થાય છે જેમાં દેશભરના અસંખ્ય પહેલવાનો ભાગ લે છે. વ્રજવાસીઓના બાલકો મટકીફોડન નાં ખેલ કરે છે ખાસ કરીને મંદિરોનાં પ્રાંગણમાં દધિ, ધૈયા, દૂધ, માખણ વિશેષ પ્રમાણમાં ઉછાળીને વિખેરવામાં આવે છે અને વ્રજવાસીઓ તેમાં લપસણી કરવાનો આનંદ ઉઠાવે છે.ભક્તજનો  કિર્તન,વધાઇ અને લોકગીતો નાચતા, ગાતા, આનંદથી ઝૂમી ઊઠે છે.

શ્રીઠાકોરજી પારણામાં ઝૂલે છે અને વ્રજનારીઓ ઝૂલાવતી જાય અને પોતાના  લાડલાનાં બલૈયા લેતી જાય છે. આ દિવસે ખીરનો પ્રસાદ વહેંચવામાં આવે છે. સાંજના સમયે શ્રીપ્રભુ ને તથા શ્રીગિરિરાજજીને છપ્પનભોગનો થાળ ધરાવાય છે અનેક ભક્તજનો શ્રીગિરિરાજજીની, વૃંદાવનની, રમણરેતી, નિધિવન, બંસીબટ અને અન્ય વ્રજના ભાગો ની પરિક્રમા કરે છે. વ્રજનાં મધુવનમાં જન્માષ્ટમીની સવારે બ્રજભાષામાં રાસલીલા અને ઢાઢીલીલા ખેલાય છે તેમાં ૯-૧૦ વર્ષ નાં બ્રાહ્મણ બાલકો ભાગ લે છે, પણ રાત્રીના સમય દરમ્યાન આ સ્થાન નિર્જન બની જાય છે.

આ ઉત્સવ દરમ્યાન  વ્રજવાસીઓ ફલાહાર વ્રત કરે છે અને આ વ્રત દરમ્યાન કુટ્ટુ, સાબુદાણા, સિંધાલૂણ, બટાટા વગેરેનો ઉપયોગ થાય  છે.આ ઉપરાંત સુંઠ, વરિયાળી, સુકુ નાળીયેર, ખાવાનો ગુંદર, અજમો, હલ્દી, સુકા મેવો વગેરેનો ઉપયોગ વિવિધ પ્રકારની પંજરી બનાવવા માટે થાય છે.

વૃંદાવન

વૃંદાવનમાં આવેલા ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.પ્રભુને ફૂલોથી બનાવેલા શૃંગાર ધારણ કરાવાય છે.પ્રભુને ૧૦૮ પ્રકારનાં વિવિધ વ્યંજનોથી થાળ સજાવીને ધરવામાંઆવે છે આ ઉપરાંત વિવિધ ફળો, ફળોનો રસ, દૂધ, દહીં, માખણ, દૂધમાંથી બનાવેલી વિવિધ પ્રકારની મિઠાઇઓ ધરાવવામાં આવે છે.મંદિરમાં સાંજના સમયે કૃષ્ણલીલા પર આધારિત નૃત્યનાટિકા થાય છે.મંદિરની ઇંટેઇટોં હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણના નાદ થી ગુંજી ઊઠે છે.

 

દ્વારિકા

ગુજરાતનાં દ્વારિકાધિશ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભગવાનની મૂર્તિને દાતણ-પાણી કરાવીને સવારે સાત વાગ્યે મંગળા આરતી થાય  છે. સવારે ભગવાનનાં નિત્યક્રમ બાદ ઉજવણી શરૂ થાય છે,ત્યાર પછી ભક્તો ભગવાનના દિવસ દરમ્યાંનના પ્રથમ દર્શન કરે છે/span>.આઆરતી બાદ ભગવાન ને પંચામૃતથી  અભિષેક સ્નાન કરાવાય છે.ભક્તજનો ને વર્ષમાં બે વાર ભગવાનનાં સ્નાનનાં દર્શન કરવાનો મોકો મળે છે.પ્રભુને પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે અને શૃંગારમાં ચંદનમાલા, વૈજયંતિમાલા અને સોપારી માંથી બનાવેલી માળા પ્રભુને ધારણ કરાવવામાં આવે છે.પ્રભુને ચક્ર અને શંખ પણ ધારણ કરાવવામાં આવે છે પ્રભુ ને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે.અહીં પણ વાટેલી એલચી, શેકેલા ધાણા અને દળેલી સાકરની પંજરીનો પ્રસાદ ભાવિકો માં વાટવા માં આવે છે.

વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હોય/span>, વિજળી ચમકારા મારી રહી હોય, મૂશળધાર વરસાદ વરસી રહ્યો હોય, જ્યારે જીવનમાં અંધકાર અને નિરાશાનું વાતાવરણ છવાઈ ગયેલુ હોય, તેવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, પરંતુ નટખટ કૃષ્ણ કનૈયાની બાળ લીલાઓનાં તમામ પ્રસંગો આપણને શીખવી જાય છે હસતું રમતું , મજાક, મમસ્તી, વાળું જીવન ફકત પોતે જ સુંદર નથી થતું પણ પોતાની આસપાસના વાતાવરણને પણ સુંદર બનાવી દે છે.

 

 પંજરીનો પ્રસાદ બનાવવાની રીત


સામગ્રી - સૂકા શેકેલા ધાણાનો પાવડર, માવો, વરિયાળી, સુંઠ, કોપરાનુ છીણ, વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા અને કતરણ, દળેલી સાકર.

બનાવવાની રીત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લઇ તેમાં શેકેલા ધાણા પાવડર નાખવો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમા કોપરુ, વરિયાળી,સુંઠ  અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લઇ મિશ્રણને થોડુ ઠંડુ કરી તેમા કોપરું અને દળેલી સાકર નાખી ફરી મિક્સ કરવું, ત્યારબાદ તેમાં વાટેલી ઈલાયચી અને મેવાની કતરણ નાખી મિશ્રણને એકરસ કરી લેવું.(સુકી પંજરીમાં થોડુ દૂધ અથવા ગરમ ઘી નાખીને નાના લાડુ પણ બનાવવામાં આવે છે.)

 

 

ગોવિંદા આલા રે 

આનંદ ઉમંગ ભયો... જય હો નંદલાલ કી , નંદઘેર આનંદ ભયો... જય કનૈયા લાલ કી/span>

યશોદા કો લાલો ભયો... જય કનૈયાલાલ કી, દાઉજી કો ભૈયા આયો... જય કનૈયાલાલ કી

માખન કો ચુરૈયો આયો... જય હો મોહન લાલ કી, બંસી બજૈયા આયો... જય હો નંદલાલ કી,

ગોકુલ મે આનંદ ભયો... જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો... જય કનૈયા લાલ કી

ગૌએ ચરાને આયે... જય હો પશુપાલ કી, બ્રજ કો રખવાલો ભયો... જય હો નંદલાલ કી

આનંદ ઉમંગ ભયો... જય હો નંદલાલ કી, નંદઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી

રાસ કો રચૈયા આયો... જય યશોદાલાલ કી, ગોપીન કો પ્યારો ભયો... જય હો નંદલાલ કી

ગોકુલ મે આનંદ ભયો... જય કનૈયાલાલ કી,હાથી ઘોડા પાલખી... જય કનૈયાલાલ કી

કોટી બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી, હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી

બ્રજ મે આનંદ ભયો... જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી... જય કનૈયાલાલ કી

જજય હો નંદલાલ કી.... જય યશોદા લાલ કી, ગોકુલ મે આનંદ ભયો... જય કનૈયાલાલ

 

પૂર્વી મલકાણ મોદી

© Purvi Malkan
[email protected]

Return to the Festival index

Return to main courtyard of the Haveli